રાજસ્થાન કોંગ્રેસમાં મતભેદ વચ્ચે થઈ પ્રિયંકા ગાંધીની એન્ટ્રી, ગેહલોત કેમ્પના બળવાને ડામવાની મોટી જવાબદારી
બીજી તરફ ગહેલોતના સમર્થક મંત્રી શાંતિ ધારીવાલે સોમવારે રાજસ્થાનના AICC પ્રભારી માકન પર ગેહલોતને મુખ્યમંત્રી પદેથી હટાવવાના ષડયંત્રમાં સામેલ હોવાનો આરોપ લગાવ્યો હતો
રાજસ્થાન કોંગ્રેસમાં રાજકીય ગરમાગરમી ચાલી રહી છે. અશોક ગેહલોતની નજીકના ઘણા ધારાસભ્યોએ ખુલ્લેઆમ બળવો કરી દીધો છે. આ પછી સૂત્રોએ જણાવ્યું કે કોંગ્રેસ નેતૃત્વ વેઈટ એન્ડ વૉચની રણનીતિ પર આવી ગયું છે. માનવામાં આવી રહ્યું છે કે કોંગ્રેસ અધ્યક્ષની ચૂંટણી સુધી નવા અધ્યક્ષ વિશે યથાસ્થિતિ બનાવી રાખી શકે છે. હજુ સુધી પાર્ટી અધ્યક્ષ સોનિયા ગાંધી તરફથી કોઈ અંતિમ નિર્ણય લેવામાં આવ્યો નથી. સોનિયા ગાંધી, કમલનાથ અને પ્રિયંકા ગાંધી સોમવારે રાજસ્થાન પર રણનીતિ ઘડવા માટે મળ્યા હતા. માનવામાં આવે છે કે પ્રિયંકા ગાંધી આ મામલે અશોક ગેહલોત સાથે આગળ વાત કરી શકે છે. ત્યાર હવે પ્રશ્ન એ ઉઠે છે કે શું પ્રિયંકાની એન્ટ્રી રાજસ્થાનમાં રાજકીય ઉથલપાથલ રોકી શકશે?
Congress President Election
ગેહલોતના બળવાખોર વલણથી હાઈકમાન્ડ નારાજ
અત્યાર સુધી સ્પષ્ટ હતું કે અશોક ગેહલોત કોંગ્રેસ અધ્યક્ષ પદ માટે ઉમેદવારી નોંધાવવા તૈયાર હતા. તેઓને સચિન પાયલટની તરફેણમાં રાજીનામું આપવા માટે તૈયાર કરવામાં આવ્યા હતા. પરંતુ તેમના સમર્થક ધારાસભ્યોએ રવિવારે તેનો જોરદાર વિરોધ કર્યો હતો. સ્થિતિ એવી બની કે રવિવારે કોંગ્રેસ ધારાસભ્ય દળની બેઠક રદ કરવી પડી. સોનિયા ગાંધીએ રાજ્યના પ્રભારી અજય માકન પાસેથી વિગતવાર રિપોર્ટ માંગ્યો હતો. સોનિયાના નિવાસસ્થાને માકન સાથે રવિવારના કાર્યક્રમો અંગેની બેઠકમાં વરિષ્ઠ નેતા મલ્લિકાર્જુન ખડગે અને સંગઠન મહામંત્રી કે.સી. વેણુગોપાલ ઉપસ્થિત રહ્યા હતા. માકન અને ખડગે બંનેએ તેમને રાજ્યમાં થયેલા ઘટનાક્રમ વિશે માહિતી આપી હતી.
ગેહલોતને ભોગવવું પડી શકે છે પરિણામ
સોનિયા ગાંધી સાથેની મુલાકાત બાદ અજય માકને કહ્યું કે મેં કોંગ્રેસ અધ્યક્ષને જાણ કરી છે, તેમણે વિગતવાર રિપોર્ટ માંગ્યો છે જે હું તેમને મોકલીશ. માકન રવિવારે જયપુરમાં ખડગે સાથે નવા મુખ્યમંત્રીના ચહેરાની પસંદગી કરવાના હતા, પરંતુ તેના બદલે તેમને હાઈ-વોલ્ટેજ ડ્રામાનો સામનો કરવો પડ્યો. તેમણે જણાવ્યું હતું કે ગેહલોત કેમ્પના ત્રણ સભ્યો તેમને ત્રણ પ્રસ્તાવ સાથે મળ્યા હતા, જે તેમણે સ્વીકાર્ય ન હતા કારણ કે તેનાથી પાર્ટીના હિતોનો સંઘર્ષ ઉત્પન્ન થયો.
ગેહલોત થઈ શકે છે કોંગ્રેસ અધ્યક્ષની રેસમાંથી બહાર
બીજી તરફ ગહેલોતના સમર્થક મંત્રી શાંતિ ધારીવાલે સોમવારે રાજસ્થાનના AICC પ્રભારી માકન પર ગેહલોતને મુખ્યમંત્રી પદેથી હટાવવાના ષડયંત્રમાં સામેલ હોવાનો આરોપ લગાવ્યો હતો. એટલું જ નહીં, તેમણે પાયલટ માટે લોબિંગ કરવાનો આરોપ પણ લગાવ્યો. બીજી તરફ, ગેહલોતના સમર્થકોએ રવિવારે સાંજે સ્પીકર સીપી જોશીને રાજીનામું સોંપ્યું હતું. મુખ્યમંત્રીની પાર્ટી અધ્યક્ષ તરીકે પસંદગી કરવામાં આવે તેવી સ્થિતિમાં કેન્દ્રીય નેતૃત્વ પર ગેહલોત કેમ્પમાંથી કોઈને મુખ્યમંત્રી તરીકે પસંદ કરવા દબાણ કરવામાં આવ્યું હતું. ધારાસભ્યોએ સંકેત આપ્યો કે તેઓ સચિન પાયલટની મુખ્યમંત્રી તરીકેની નિમણૂકની વિરુદ્ધ છે, જેમણે 2020માં ગેહલોત વિરુદ્ધ બળવો કર્યો હતો.
Click Here : કોંગ્રેસ અધ્યક્ષ પદની રેસમાં દિગ્વિજય સિંહ પણ સામેલ
રાજકીય ઉથલપાથલ પર પ્રિયંકા મહત્ત્વની ભૂમિકા ભજવશે?
ગેહલોતના સમર્થ ધારાસભ્યોની માંગ બાદ હવે તમામની નજર પાર્ટી નેતૃત્વ પર છે. સવાલ એ છે કે શું પ્રિયંકા ગાંધી ફરી એકવાર પરિસ્થિતિને સંભાળશે. કારણ કે જયારે સચિન પાયલટના સમર્થકોએ 2020માં બળવો કર્યો હતો એ વખતે પ્રિયંકા ગાંધીએ મહત્ત્વની ભૂમિકા ભજવી હતી. પ્રિયંકા ગાંધીની એન્ટ્રી બાદ પાયલટ સંમત થયા અને પરિસ્થિતિ બદલાઈ ગઈ. હવે પ્રિયંકા ગાંધી ફરી કઈ મહત્ત્વની ભૂમિકા ભજવે છે, તે જોવું રસપ્રદ રહેશે.