PM Modi To Launch 5G In Gandhinagar
ગાંધીનગરથી દેશમાં 5G ની શરૂઆત થવાની સંભાવના: PM મોદી ઉદ્ઘાટન કરે તેવી શક્યતાઓ
મોબાઈલ સેવાઓમાં સૌથી ઝડપી ડેટા ટ્રાન્સફર શકય હોય તેવી પાંચમી જનરેશન ( 5G ) સેવાઓ દેશમાં ગુજરાતના પાટનગર ગાંધીનગર ખાતેથી પ્રારંભ થશે . આ સેવાઓ દેશને વડાપ્રધાન નરેન્દ્ર મોદી સમર્પિત કરશે અને તા . 15 ઓગસ્ટના રોજ દેશની આઝાદીના 75 વર્ષ પૂર્ણ થઈ રહ્યા છે ત્યારે શરૂ થશે એવું જાણવા મળી રહ્યું છે .
વડાપ્રધાન નરેન્દ્ર મોદી લાલ કિલ્લા ઉપર સ્વતંત્રતા દિવસની ઉજવણી બાદ ગુજરાત આવશે અને સેવાઓનો પ્રારંભ કરે તેવી શક્યતા છે . દેશમાં 5G સેવાઓ માટે સ્પેક્ટ્રમની નિલામી આ સપ્તાહમાં શરૂ થવાની છે અને તેમાં રિલાયન્સ જીયો , વોડાફોન આઈડિયા અને એરટેલ । અદાણી જૂથે પણ બિડિંગ કરવા માટે રસ દાખવ્યો છે . જોકે , અદાણીએ આ સ્પેક્ટ્રમ ખરીદી માત્ર એન્ટરપ્રાઇસ સેવાઓ આપવા માટે જ કરવાની જાહેરાત કરી છે એટલે ગ્રાહકોને તો માત્ર ત્રણ કંપનીઓ તરફથી જ સેવા મળશે . લોંચ પહેલા ગુજરાતમાં 5G સેવાઓનું ટેસ્ટિંગ ગાંધીનગર , જામનગર અને વડોદરામાં થયું હતું . જામનગર ખાતે રિલાયન્સ જીયો અને ગાંધીનગર ખાતે વોડાફોન દ્વારા ટેસ્ટ થયા હતા .
વડાપ્રધાન મોદી આ સેવા શરૂ કરે એ પહેલા વોડાફોન અને જીયો યુદ્ધના ધોરણે તેના લોંચ માટે તૈયારી કરી રહ્યા હોવાનું જાણવા મળ્યું છે . સૂત્રોએ જણાવ્યું હતું કે ગાંધીનગર ખાતે આવેલા મહાત્મા મંદિરમાં આ સેવાઓ શરૂ કરવા માટે અત્યારે કામગીરી થઇ રહી છે . અત્યારે કોઈ કંપની પાસે 5G ની સેવા માટે સ્પેક્ટ્રમ ઉપલબ્ધ નથી . નિલામી પછી વિજેતા કંપનીઓને તાકીદે સ્પેક્ટ્રમ ફાળવવા માટે PMO અને ટેલિકોમ ડિપાર્ટમેન્ટ કામગીરી કરી રહ્યા છે જેથી તા . 15 ઓગસ્ટ એ લોંચિંગ થઈ શકે છે.